સવાલ તારી ખુશીનો હતો...!
સવાલ તારી ખુશીનો હતો...!
તે મને તારા એક અલગ જ વ્યક્તિત્વનો અહેસાસ અપાવ્યો,
હું તુરંત પ્રેમ સમજીને તારા પગલાની સાથે ચાલતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે તારી મીઠી વાણીથી મારી જાતને ઓગાળવાની કોશિશ કરી,
હું તુરંત લાગણી સમજીને તને સમર્પિત થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે મને એક પછી એક આદતો બદલવા કહ્યું,
હું તુરંત તારા આંખના ઈશારે સમજતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે મને ઘણી વખત પસંદગી કરવાની તક આપી,
હું તુરંત તારી ગહેરાઈમાં રહેલા દર્દને સમજી મારા મન,વચન અને આત્માથી તારો સાથ નિભાવતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે મને વારંવાર અગણિત મોંઘી ભેંટ આપી,
હું તુરંત તારા પથ્થર હૃદયમાં જીવનસાથીનો સાથ આપતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે મારા પ્રેમની ઘણી પરીક્ષાઓ કરી,
હું તુરંત તારી નફરત ભરેલી જીંદગીને પ્રેમના રંગોથી રંગીન બનાવતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો
હતો..!
તે મને મારા સપનાંઓ ભૂલાવી તારા સપનાંને અપનાવા મજબૂર કરી,
હું તુરંત જ ખુશીથી તારા સપનાંને આપણાં માનતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે અનેકવાર તારા ગુસ્સાની જ્વાળાઓ મારા પર વરસાવી,
હું તુરંત પ્રેમની વર્ષા કરી તારી ગુસ્સાની જ્વાળાઓ ઠારતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે વારંવાર મારી લાગણીઓની હત્યા કરી,
હું તુરંત જ એ આઘાતો પણ હસતાં- હસતાં પીતા શીખી ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે ઘણી વખત મારા વિશ્વાસને પણ તોડયો,
હું તુરંત જ તૂટેલા વિશ્વાસને ફરીથી સજીવન કરતી થઈ ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
તે મારા પ્રેમને એક રમતનું મેદાન સમજ્યું,
છતાંયે હું તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારા વહાવતી ગઈ.
બસ...સવાલ તારી ખુશીનો હતો..!
અંતે પરીક્ષા આપવાનો વખત તારા પર આવ્યો,
તે તો મને ઉત્તરવહી ખોલવાની માનવતા પણ ના દાખવી.....!
બસ આપણી વાર્તા અધૂરી જ રહી ગઈ...!