સરનામું ક્યાં જઈ શોધવું ?
સરનામું ક્યાં જઈ શોધવું ?
લાગણી તો નજર્યુંમાં કોરેલું ફૂલ, એનું સરનામું ક્યાં જઈ શોધવું ?
વ્હાલ કહું ? પ્રેમ કહું ? કે કહું ઘેલછા ? એને કિયા તે નામે સંબોધવું ?
એનું સરનામું ક્યાં જઈ શોધવું ?
મેઘને તો લાગણીનું પૂછવું જ કેમ ? એ તો વરસી લે મન મૂકી ગેલમાં,
ઝરણાંની પીઠ પર હાથ મૂકો વ્હાલનો તો ખળખળીયું દોડે ઉકેલમાં,
લાગણીનું પૂછતાં જ ગોરંભી બેસે એ ભીનું આકાશ ક્યાં ઓઢવું ?
એનું સરનામું ક્યાં જઈ શોધવું ?
સાગરને પૂછો તો દિવસ ને રાત એ વેદનાઓ ઉછળતી કાઢે,
નદીયુંના ખોળામાં ઢાળી દે માથું એ લાગણીના ભીના અષાઢે,
અણસારો આપીને નદીયુંનું યૌવન ભર ચોમાસે કેમનું ગોંધવું ?
એનું સરનામું ક્યાં જઈ શોધવું ?
મહેંકોને પૂછો તો આંગળી કરીને કેવું દેખાડે ફૂલોનું વન !
ભમરો તો અણીયાળી વેદનાથી સૂકવતો હોઠે જડેલું યૌવન,
રેશમની પાંખડીમાં મઘમઘતું-મઘમઘતું વ્હાલભર્યું કેમનું પોંઢવું ?
એનું સરનામું ક્યાં જઈ શોધવું ?
લીલાંછમ ઊભેલા ખેતર ને વાડી ને મસ્તીએ ડોલાતા ઝાડ,
નાનુંશું તરણુંય ઊભું થઈ બેસતું, આ લાગણીને ક્યાં કશી વાડ ?
લીલુંછમ થાવાનું આમ બે ઘડીમાં એને શબ્દોમાં કેમનું ઉદબોધવું ?
એનું સરનામું ક્યાં જઈ શોધવું ?

