સંવેદન
સંવેદન
એક પિંડ માફક જીવું તો ?
આ શ્રવણ, કથન કે દ્રષ્ટિ,
' ને ઘડીએ ઘડીએ થતું સંવેદન !
શી જરૂર છે આમની ?
સતત ને સતત બસ બધેથી ખર્ચાયા જ કરવાનું ?
આમને આમ જ !
સારું નથી એનાથી તો ,
પડ્યો રહું કોઈ એક કોષી જીવ માફક !
મેલ્ય ને આ બધી જફા.
અને રાખ તારી આપેલી આ બધી ઇન્દ્રિયો,
તારી પાસે.
એ અહીં કશુંય કામની નથી હવે.
એ બધી મળી ને જીવન બને છે એવું તું કહેતો'તો,
પણ બસ કર હવે તું.
મને રમાડવાનું બસ કર.
તું મને તારાથી દૂર રાખવાના એ બધાં પેંતરા
હવે બંધ કર.
અને હા- હું વ્યાજ સહિત તને પાછી આપી રહ્યો છું.
ના ભુલીશ આ ઇન્દ્રિયો સાવ ચોખ્ખી કરીને.
મને ફાવશે એનાં વગર.
અને એની પીડા વગર પણ.
મારા માટે તો તું બસ છો એક જ.
આ બધું નથી જોઈતું,
તું જોઈએ.
રુધિરની માફક અને-
પછી ભલે હું પડ્યો રહું,
કોઈ માસના લોંદાની જેમ !
