STORYMIRROR

Urmila Savsani

Inspirational Thriller

4  

Urmila Savsani

Inspirational Thriller

પાળિયે માંડી કથાયું રે....

પાળિયે માંડી કથાયું રે....

1 min
39.6K


પાળિયે માંડી કથાયું રે...

કે એને દેવ હોંકારો દેતાં...


ખપી ગયા જેનાં ધડ ધીંગાણે એનાં, માથડાં ઘાને લેતાં;

કાળમીંઢ પા'ણો કાંઠે પો'ગે એવાં,

રગત રેલા વે'તા... રે...

પાળિયે માંડી કથાયું રે


મોળબંધાનાં પોખણા થાતાં,વારણા વરનાં લેતાં;

'મારો,'કાપો'ની આરદા આવે, એનાં પગ કહ્યામાં ના રે'તાં... રે....

પાળિયે માંડી કથાયું રે...


સત્‌ને કાજે શૂળી ચડે પણ, ખોટો મારગ નવ લેતાં;

ટેક,વચનને શૌર્ય સાટે,વ્હાલા બેટા વેરીને દઈ દેતાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


કાળજા કેરો કટકો સોંપી, રા'ને રાખીને વાત કે'તાં;

ઉગો 'આથમિયોને નવઘણ' ઊગીયો, કાળજે કરવત દેતાં.. .રે...

પાળિયે માંડી કથાયું રે...


ભાલા માથે જયાં બેહે ભાંડોદરી, 'જાહલ,' 'જાહલ' કે'તાં;

મોતનાં ડંકા સુમરા માથે એને સત્ સમજાયું રે'તાં, રે'તાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


પા'ણા કેરા પોઠીયા તે'દિ મોંઢે તરણા લેતાં;

કચ્છ ધરાને કણ-કણ બેઠી, જાગતી તોરલ ચેતાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


શૌર્ય તણી આ ભોમકા મારી એનો, પાર નો આવે કે'તાં;

માથડા ખાંડીને પીરહે પરભૂને, આંખે આહુંડા ના વે'તાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


ગીતા સુણે એ ઉદર માંહે, શૌર્ય શૂરા રસ લેતાં;

બુંગિયો વાગે જયાં ધીંગાણાનો, માની છાતીએ દૂધડા વે'તાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


કૂલડી રાંધે જમે કટક અહિં, 'ખમ્મા' કે'તાં કે'તાં;

જોગમાયા જયાં કરે હાકોંટો, દરિયા મારગ દેતાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


ખાંભીયું ભીતર ખમીર ઝરણાં, કાયમ વહેતા રે'તાં;

રણબંકા ઈ રાતડા નીરને, ગંગા-જમના કે'તાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


'મોરાર', 'જીવણ', 'ખીમ', 'હોથી', તે દિ' પરગટ પરચા દેતાં;

શૌર્ય, શૂરાતન ભાણ સમું એની, વાતું ય વાયરા કે'તાં... રે...

પાળિયે માંડી કથાયું રે...


દેવતા થાક્યા આ ધરણી પર, સતના પારખાં લેતાં;

શૌર્ય અમલ આ'યાં સંતો પીરહે;

કાયરુ ભાગતાં છેટા... રે...

પાળિયે માંડી કથાયું રે....

કે એને,દેવ હોંકારો દેતાં...

કે એને દેવ હોંકારો દેતાં...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational