ગુંજતું ગૌરવ સતત
ગુંજતું ગૌરવ સતત
એક, બે કે કૈંક દિવસોથી કશું વળશે નહીં;
ભવ અહિં ઓછો પડે, પિછાણવા ગુજરાતને.
સરહદોની પાર કાયમ, ગુંજતું ગૌરવ સતત;
સાથમાં દ્રારામતિ ઉદ્ધારવા ગુજરાતને.
બે કદમ ચાલો અને અભરે ભર્યો સાગર મળે;
મોતીઓ સાચા અહિં નીપજાવવા ગુજરાતને.
ધ્યાનમાં જોગી બની બેઠાં ગિરીશૃંગો બધાં;
કોઈ અનહદ નાદને સંભળાવવા ગુજરાતને.
ગોમતી, તાપી વળી રેવા ને અંબિકા અહિં;
રણઝણે ઝાંઝર સમી શણગારવા ગુજરાતને.
ઊડતી વેકૂર ઝીણી રજ બની જયાં રણ મહીં;
તપ અહિં તોરલ તણું ઉગારવા ગુજરાતને.
સત્યની સોટી, અહિંસા ટેક લઈને આકરી;
યુગપુરુષ અહિં લોહ-સો અજવળવા ગુજરાતને.
ચોરવાડી ઝુંડમાં લેતો પ્રતિજ્ઞા શખ્સ કો'
વિશ્વનાં નકશા મહીં દેખાડવા ગુજરાતને.
ગળથૂથીમાં જે મળ્યો એ રંગ દેખ્યોને તરત;
કંઈક યાયાવર પહોંચ્યા જાણવા ગુજરાતને.
છે સખાવત ને સદાવ્રતની બધી ભૂમિ અકળ,
થઈ પરોણો ને પધારો માણવા ગુજરાતને...
