સ્નેહ સંવાદ
સ્નેહ સંવાદ
લાગણીઓને એ સુંવાળો અહેસાસ આપે છે,
કોખમાં એ છે એનો મીઠો અણસાર આપે છે !
મૂકું પેટ પર હાથને કરું એની સાથે સ્નેહસંવાદ,
હળવી લાત મારી એ મને હાથતાળી આપે છે !
નજર ના લાગે એટલે રાખું પાલવના આવરણે,
સાંભળી મારી બધી વાત એ હોંકારા આપે છે !
નથી લાગતોને મારો ભાર ? એવું વારંવાર પૂછે છે,
હું ના પાડું તો ખુશીથી મને આલિંગન આપે છે !
એને સંભળાવું ખુશ કરવા હું મીઠાં ગીત ગાંઉ,
સૂર પુરાવા સંગીતમાં એના ધબકારા આપે છે !

