સહજીવન
સહજીવન
જિંદગી આમ તો રંગોથી સભર જ હતી, બસ એમાં સાથ તારો મળ્યાની આ વાત છે,
ભટકતા રસ્તાઓને, મંઝીલે પહોંચાડતા, એક ખુબસુરત ચિત્ર બનાવવાની આ વાત છે.
મજા તો પહેલા પણ હતી જ, તારા આવ્યા પછી એ માણતા શીખવાની આ વાત છે,
એવું નથી કે પહેલા હું જીવતો ન હતો, પણ દિલના આ મકાનને ઘર બનાવવાની આ વાત છે.
તકલીફો તો આવે જ છે દરેકના જીવનમાં, નાની કે મોટી,
હિંમતથી એને પાર કરવાની આ વાત છે,
હું અને તુંમાંથી આપણે બની, સહજીવનના ઉત્સવને માણવાની આ વાત છે.
ઊગતા સૂર્યને પૂજનારા તો મળી જ રહે છે હંમેશા, ઢળતા એ સૂરજની સંધ્યા બનવાની આ વાત છે,
યુવાનીમાં તો હોય જ બધા હાજર, ધ્રૂજતાં ડગલાની સાથે કરચલીવાળા હાથોને થામવાની આ વાત છે.
લોકો ઉજવે છે, રજતજયંતિ, 25 વર્ષ પૂરા કરીને આનંદની જ આ વાત છે,
આપણી તો 25 માં પ્રવેશી, પૂરું થાય ત્યાં સુધી રજતવર્ષ ઉજવવાની આ વાત છે.
'નિપુર્ણ' તો હું પહેલેથી જ હતો, 'મેઘપૂર્ણ' પણ બની ગયાની આ એક વાત છે.
પ્રેમિકા બની પત્ની બનવું સહેલું છે કદાચ, પણ પત્ની બની પ્રેમિકા બનવાના સમર્પણની, તારી, આ વાત છે.

