શહીદની પત્ની
શહીદની પત્ની


દેશના તિરંગામાં લપેટાઈને,
એનો પાર્થિવદેહ વતન આવ્યો,
રાઇફ્લનો યોદ્ધો,
જિંદગીની રેસમાં ફેલ થયો હતો,
વહાલસોયાના અણધાર્યા મોતથી,
વિધવા મા આઘાતમાં સરી ગઈ હતી.
"પપ્પા પપ્પા"ની ચિસકારીઓથી,
બાળકોએ આખું ઘર ગમગીન કર્યું હતું,
યમરાજ પણ મોત આપીને પસ્તાઈ રહ્યો હતો.
સોળે શણગાર સજીને બેઠેલી પત્નીના,
આંખમાંથી આંસુ બંધ થવાનું નામ લેતા નહોતાં.
ફૂલોથી સુશોભિત શબપેટીને એકીટશે જોઈ રહી,
એણે લગ્નમંડપમાં બાંધેલી ફુલોની ચોરી યાદ આવી,
પતિને પહેરાવેલી વરમાળા અને સપ્ત વચન યાદ આવ્યાં.
આજે તો આતંકવાદીઓએ વરની હારમાળા,
અને વધૂના મંગળસૂત્ર પર કાતર ફેરવી
નાંખી હતી,
આતંકવાદીએ યોદ્ધાની અર્ધાંગિનીને,
વિધવાનું બિરુદ આપી દીધું હતું.
પતિના પાર્થિવદેહને લાંબો સમય સુધી જોઈ રહી
એના માથાને ચૂમ્યું ને,
કાનમાં ધીમેથી "આઇ લવ યુ" કહ્યું.
એની આંખમાંથી આંસુઓ સુકાઈ ગયા
અને કાળજું વાઘ જેવું બનાવીને,
"જય હિંદ" બોલીને પતિને સલામી આપી.
એના સુકાયેલા આંસુએ,
દેશના દરેક નાગરિકની આંખમાં,
આક્રોશ જીવતો રાખ્યો.
સ્મશાનયાત્રામાં સૌથી આગળ જોડાઈ ગઈ
પતિને મુખાગ્નિ આપીને,
શહીદની પત્નીનો ધર્મ નિભાવ્યો.
એના બાળકોની માની સાથે બાપ બની ગઈ,
પરિવારનો દીકરો બનીને જવાબદારી ઉઠાવી,
આખરે એ પત્ની તો યોદ્ધાની હતી ને !