સામું જોવાની રીત સાવ ખોટી
સામું જોવાની રીત સાવ ખોટી
આંખોમાં ઘૂઘવતો દરિયો ભરીને સામું જોવાની રીત સાવ ખોટી,
તરણાંને ઓથે અમે શ્વાસો ભરીએ ને તમે મોજાંની દઈ દ્યો કસોટી,
સામું જોવાની રીત સાવ ખોટી…
સૂકાં આ કોતર ને પથ્થરો ફિક્કા, ને ઊડતી આ બારમાસી રેત,
અમે તો આયખામાં જોયેલું ક્યાંથી આ નદીઓમાં પાણીય વેંત,
ઓચિંતું આવીને છલકાતું દઈ દ્યો આ સરોવર બે આંખોથી બોટી,
આંખોમાં ઘૂઘવતો દરિયો ભરીને સામું જોવાની રીત સાવ ખોટી…
સપનાની ડાળીએ વળગીને બેઠા, એમાં રૂસણાની હોય ક્યાં વેલ ?
પળમાં આ પાંદડા પીળા પડે ને પછી પળમાં ત્યાં લીલીછમ રેલ,
આમ-તેમ ડાફોળિયાં કરતાં અમે, ને તમે વિંઝી દ્યો લાગણીની સોટી,
આંખોમાં ઘૂઘવતો દરિયો ભરીને સામું જોવાની રીત સાવ ખોટી…
કોરાકટ રહેવાનો પાનો ચડ્યો ને અમે લીધી આ ડાળખાંની છતરી,
તડકા ને છાંયડાની સામે પડ્યા, પણ માવઠાની નહોતી ગણતરી,
અમે તો લાગણીમાં લથપથ ભીંજાયાં જ્યાં તમે મારી સિસોટી,
આંખોમાં ઘૂઘવતો દરિયો ભરીને સામું જોવાની રીત સાવ ખોટી.

