રસોડે રમત
રસોડે રમત


રોટલીને મળ્યું મેદાન કરે ગોળ ગોળ ધાણી
ફેરફૂદરડી ફરે રવૈયો છાશ માખણિયાળી,
વાડકામાં હોંશે રમે કબડ્ડી વટાણા અને દૂધી
કોનામાં કેટલું પાણી શરત છે કાકડી કૂબીની,
ચટણી થઈ કોથમીર કૂટાઈને ફોજમાં મરચાંની
ગુલાબજાંબુ તરે કેસરિયા તરણહોજમાં મજાથી,
દાળ-ભાતને તો જ્યારે જૂઓ કર્યા કરે છે કુસ્તી
પાપડ બેટ બનીને લૂંટે ચોગ્ગા છગ્ગાની મસ્તી,
ખાવી જલ્દી પાણીપુરી છે એ કાણાવાળી હોડી
પૂનમની રાતે ઈડલી આભે માણો થોડી થોડી,
ચટણીમાં દહીવડા તો લાગે રંગબેરંગી લખોટી
ફૂલેલા મેંદુવડાએ ખાધી નિશાનબાજની ગોળી,
ઝારામાં જાણે સૂરજના કિરણો લાવ્યા ઉતારી
તાવડીના શક્કરપારામાં થાય ઉતરાણની ઝાંખી,
રસ પ્રસરાવે મોં માં ઘેવર લીસ્સી કૂકડી કેરમની
મુખવાસના પ્યાદાએ મારી કેવી બાજી શતરંજની,
રંગીને હોઠ લાલ પાને સુંદરતાની હોડ આણી
હસવું ન આવે તો તમે બોખા રાજા-રાણી !