રંગો
રંગો
ચપટી ચપટી લઈને ખોબે ભર્યા મેં તો રંગો
શબ્દો ખૂટે તો કહી દે છે આ મનની વાતો રંગો
વાદળોનાં દેશથી ઉડતું આવ્યું એક પીંછુ
સ્હેજ લહેરખીથી ડોલતી ડાળે એમ કીધું,
આ લજામણીના ગાલે એક ટપકું કરજો
ભૂરા, લીલા 'ને ગુલાબી તમે રંગોથી રમજો...
ચપટી ચપટી લઈને ખોબે ભર્યા મેં તો રંગો
શબ્દો ખૂટે તો કહી દે છે આ મનની વાતો રંગો...
વીર જવાનની નસ નસમાં તો પ્રેમ થઈને વહેતું
સૂર્યમુખીની આંખોએ તો ઊગતું તેજ છે દીઠું,
મા ધરતીના પ્રાંગણમાં તોરણિયા બંધાવજો
લાલ, પીળા' ને કેસરિયા રંગોથી સહુ ખેલજો...
ચપટી ચપટી લઈને ખોબે ભર્યા મેં તો રંગો
શબ્દો ખૂટે તો કહી દે છે આ મનની વાતો રંગો...