રંગભરી છે મૌસમ….
રંગભરી છે મૌસમ….
આજ રંગમાં રંગી લેજો, રંગ ભરી છે મૌસમ
ઝુમતું રંગીલું જોબન,અઢી અક્ષરનો વાલમ
અંગ કેસરિયાં કરે લટકા
કુંજકુંજ કોકિલના ટહુકા
મન મેળે હૈયાંનાં નર્તન ઢોલ ઠુમકે બાલમ
ઝુમતું રંગીલું જોબન,અઢી અક્ષરનો વાલમ.
મ્હેંકો મંજરી મન મસ્તીએ
છેડો સરગમ ઝરણાં ધીરે
નયન ચીતરજો ઉપવનનું મનહર મોજીલું આલમ
ઝુમતું રંગીલું જોબન,અઢી અક્ષરનો વાલમ.
સપનામાં ઉડણ ખટોલે અજવાળી રે જાજમ
સરવર પાળે નાચે સારસ પંખી જોડી સાજન
અંતર મારું રજનીગંધા સૌરભ લૂંટાવતું પાવન
ઝુમતું રંગીલું જોબન,અઢી અક્ષરનો વાલમ.
મસ્ત ખીલી છે મૌસમ મેના, હૈયું લાગે જાલમ
વસંત હિંડોળે ઝુલાવ મારા અઢી અક્ષરના વાલમ…
આજ રંગમાં રંગી લેજો , રંગ ભરી છે મૌસમ(૨)

