રામ તમે
રામ તમે
દીપાવ્યાં દશરથ આંગણ દ્વાર રામ તમે,
પામ્યા કૌશલ્યાના લાડ દુલાર રામ તમે,
દસસહસ્ત્ર ગજબળ ધારી તાડકા નાર,
કીધો એનો એકબાણે સંહાર રામ તમે,
મારી સુબાહુને ઊતાર્યો મારીચ પેલે પાર,
કૌશિક યજ્ઞ તણા રક્ષણહાર રામ તમે,
જનકપુર મારગમધ્યે અહલ્યા ઝંખનાર,
પગરજે ચેતન પ્રગટાવનાર રામ તમે,
શિવધનુ ભંજને આવ્યા ભૂપ દિસચાર,
તોડી શિવધનુ સીતા વરનાર રામ તમે,
કૈકયી વચને રાજ તજી ઉદાસીન થનાર,
કર્યો પ્રભુ વનગમનનો નિર્ધાર રામ તમે,
સીતાહરણે થૈ દ્રવિત વિયોગને વેઠનાર,
મિત્રતા સુગ્રીવ સંગ કરનાર રામ તમે,
સુગ્રીવ વિભીષણને રાજ આપીને દાતાર,
કુંભકર્ણને રાવણને હણનાર રામ તમે,
રામરાજ્યની સ્થાપનાને સર્વત્ર જયકાર,
ભક્તો કથા તમારી ગાનાર રામ તમે.
