રાધાને શોધવા દો
રાધાને શોધવા દો
મન મારૂ કદી સ્થિર થતું નથી,
તેને પ્રેમના વિચારોમાં મગ્ન રહેવા દો,
મનનું મંથન અટકાવવું નથી મારે,
મને પ્રેમનું અમૃત પાન કરવા દો.
દિલની ધડકન બંધ થતી નથી,
તેની ધડકન દિન રાત ચાલુ રહેવા દો,
ધડકનનો તાલ મેળવવો છે મારે,
મને પથ્થર દિલનો ન બનવા દો.
પ્રેમનો સથવારો મને મળ્યો નથી,
મને અઢી અક્ષરનો મર્મ સમજવા દો,
પ્રેમનો અંધકાર દૂર કરવો છે મારે,
મને પ્રેમની જ્યોત પ્રગટાવવા દો.
પ્રેમની પાનખર દૂર થતી નથી,
મારા પ્રેમની વસંત હવે લહેરાવવા દો,
"મુરલી" નાદ પ્રેમનો કરવો છે મારે,
મને શ્યામ બની રાધાને શોધવા દો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

