પૂનમની રાત
પૂનમની રાત


અતિ સુંદર આજ પૂનમની રાત ખીલી ગઈ,
તેની પાયલનો નાદ મને દીવાનો બનાવી ગઈ,
હું તો જોઈ રહ્યો હતો વાદળોની વણઝારને,
પાછળથી આવીને તે મારી સામે બેસી ગઈ.
તેને સામે જોઈને મનમાં મસ્તી છવાઈ ગઈ
મારા રોમ રોમમાં પ્રેમની તરંગો લહેરાઈ ગઈ,
હું તો શોધતો હતો તેને સપનાની દુનિયામાં,
મારા સપનાને આજ તે હકીકત બનાવી ગઈ.
તેની સૂરત જોઈને હ્રદયની ધડકન વધી ગઈ,
તેના પ્રેમની વહેતી સરિતામાં મને ડૂબાડી ગઈ,
હું તો મગ્ન બન્યો તેના પ્રેમની ગઝલ લખવામાં,
તે આવીને મારી કલમમાં શબ્દો સરકાવી ગઈ.
તેના આવવાથી રાત રળીયામણી બની ગઈ,
તે મારા હ્રદયના દરવાજાને ખટખટાવતી ગઈ,
હું તો મદહોંશ બન્યો તેના નિખરતા યૌવનમાં,
અચાનક "મુરલી" દોડીને આલિંગન આપી ગઈ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)