પ્રેરણા
પ્રેરણા


એને જોયા પછી તો એ મારી,
અંતર પ્રેરણા પ્રેમથી બની ગયા,
ને બંધ બીજનાં શમણાઓ,
હકીકત બની ફણગી ને ઉગી ગયા.
જુઠી તમન્નાઓ સઘળી હવે તો,
બની ગઈ છે અચાનક નિરર્થક,
ને મૌનના સંવાદો આ જીવનમાં,
કૈક નવા સત્યાર્થ ભરી ગયા.
એક કમી કાયમ ખૂંચતી રહેતી હતી,
અમથી અમથી અંદર અંદર,
દબાયેલા દુઃખ ઝરણા ખુશીઓના,
થઈને આ આંખોથી ફૂટી ગયા.
મજબૂરી અને ભૌતિક દૂરીમાં પણ,
ક્યાં હતા આપણે કદી અપૂર્ણ,
ભિન્નતા બની અભિન્નતા,
એમ મન એકમેકના પૂર્ણ રૂપે ભળી ગયા.
ચાહતના વગર કિનારાનાં સમંદરના,
આપણે સંસારી સાગરખેડુ,
એક બીજાને હેતેથી બનાવી હલેસા,
ને ભવસાગર પાર કરી ગયા.
જયારે જયારે મેં આ જાતને જલાવી છે,
ફેલાવવા "પરમ" પ્રકાશ,
એ ગમે તેમ કરીને પણ "પાગલ"
પવન બનીને પહોંચી જ ગયા.