પ્રેમભરી રાખડી
પ્રેમભરી રાખડી
હરખે છે આજ બહેનની આંખડી
બાંધે છે બાંધવને પ્રેમભરી રાખડી,
કુમકુમનું તિલક કરી ઓવારણાં લેતી
જુગ જુગ જીવો વીરા એ આશિષ દેતી
વરસાવતી હેત ભરી આજે એ વાદળી
બાંધે છે બાંધવને પ્રેમભરી રાખડી,
દિલમાં છે બસ એના એક જ અરમાન
હે પ્રભુ ! મારા વીરાનું રાખજો રે ધ્યાન
સાંભળજો નાથ મારી આટલી રે વાતડી
બાંધે છે બાંધવને પ્રેમભરી રાખડી,
ખમ્મા મારા વીર એવું બહેની રે બોલતી
રાખડીના રૂપમાં આજ હૈયું એનું ખોલતી
હરખના આંસુથી ભીંજાઈ એની આંખડી
બાંધે છે બાંધવને પ્રેમભરી રાખડી.

