પ્રેમ પ્રકરણ
પ્રેમ પ્રકરણ


કલમથી કાગળ સુધીનું અંતર,
જેમ જેમ ઓછું થતું ગયું,
મનની અનકહી લાગણી જાણે,
શબ્દો બનવા આતૂર થતી ગઈ.
શાહીભરેલી એ કલમ જ્યારે,
કોરા કાગળને અડવા ગઈ,
આંગળી જાણે હ્રદયને ઇશારે,
કલમને દિશા આપતી ગઈ.
કલમથી ખળખળ વહેતી શાહી,
પોતે આકારનું રુપ લેતી ગઈ,
કાગળ પર દોરાયેલો એ પ્રત્યેક,
વળદાર આકાર અક્ષર કહેવાયા.
અક્ષરથી અક્ષરો જોડાતા ગયા,
અને એ શબ્દો બનતા ગયા,
શબ્દોથી શબ્દો જોડાતા ગયા,
ને આમ જ વાક્યો બનતા ગયા.
વાક્યથી વાક્યો જોડાતા ગયા,
આવી રીતે ફકરો લખાઈ ગયો,
ફકરાથી ફકરા જોડાતા ગયા,
આખું પ્રેમ પ્રકરણ રચાઈ ગયું.