ફરક છે
ફરક છે
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
મમ્મી કયું કામ કરું થી
મમ્મી કયું કામ રહી ગયું
ફરક પડે છે,
ગમે એ કરાતું નથી ને
ના ગમતું કરવું પડે છે
ફરક પડે છે,
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
બોલવું હોય એ બોલાતું નથી ને
ના ગમતું એ સાંભળવું પડે છે
ફરક પડે છે,
વાંક હોય તોય
કોઈ ને બોલવાનો મોકો નહીં ને
વગર વાંકે આંખો ઝૂકાવીને બેસવું પડે છે
ફરક પડે છે,
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
સ્વતંત્રતાનો હિંચકો હોય છે તો
મર્યાદાની સાંકળ હોય છે
ફરક પડે છે,
કેમ ઊઠી ગઈ સૂઈ લેને થી
હજુ પણ ઊઠી નથી
ફરક પડે છે
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
શું નાસ્તો કરીશ થી
નાસ્તામાં શું બનાવવાનું છે
ફરક પડે છે,
તને જે ગમે એ કર
તારે ક્યાં કાંઈ કરવાની જરૂર છે
ફરક પડે છે,
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
મને થાક લાગ્યો છે હું નહીં કરું થી
વાંધો નહીં હું કરી લઈશ
ફરક પડે છે,
આતો હું જ નહીં ચલાવી લઉં થી
મારે તો ચાલશે
ફરક પડે છે,
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે,
વિચાર્યા વગર શબ્દો રજૂ થાય છે
ઘણું વિચારીને પણ શબ્દોને વાચા આપતી નથી
ફરક પડે છે,
મુક્ત ગગનવિહાર હોય છે તો
જવાબદારીનો બોજો હોય છે
ફરક પડે છે,
મહિયર અને સાસરિયાંમાં
ફરક છે.
