પાઘડી
પાઘડી
સાચવી શિરસ્તોને વીંટ્યું શીર પર રમણીય વસ્ત્ર,
અસવારે પહેરી માથે પાઘ જાણે કે ધર્યું શિરછત્ર,
આકાર શૈલી વર્ણ ને કદ બતાવે ક્યાંની પાઘડી,
શિરોભૂષણ સજે સુજન જોઈ અવસર તુલ્ય ઘડી,
પહેર્યું કેવું મોળિયું તે આદર વિવેક સન્માન આંકે,
કેસરિયા ફેંટા લાંબા ધરી શૂરવીર અરિને દૂર હાંકે,
ભિન્ન પેચ ગાંઠ વાળી ઉષ્ણીષ બને જાતજાતની,
રંગરૂપ છટાએ પગડી દીસે ઓળખ નાતનાતની,
અમીર તાજ શીર પર ધરે રોફ લોક પર જમાવવા,
ખેડુ વીંટે માથે ફાળિયું રોજીરોટી પ્રસ્વેદે કમાવવા,
પાઘ આર્દ્રતા રજ ઉષ્મ શીત પવનની રોકે લહેરો,
મુગટ આપે શાન ને માન વળી પ્રસંગે ભરે પહેરો,
બોલી બદલાય બાર ગાઉ ને પાઘ જુદી તેર ગાઉ,
રસમ પગડી પ્રસંગોચિત આપે કોઈ સંદેશ અગાઉ,
અનુગમ લગ્ન વિવાહ સન્યાસી પાઘ અનોખો રંગ,
રંગીન સાફા શુભ પ્રસન્ગે ને શ્વેત સમે જીવન ભંગ,
બહાદુરી, બલિદાન ને ત્યાગનો રંગ અગ્નિ કેસરી,
સફેદથી શાંતિ કે શરણ ગુલાબી જોઈ વસંત પ્રસરી,
અગમપંથ જાણે પાઘથી જ ગોર, ખેડુ કે માલધારી,
કાઠિયાવાડી કચ્છી ગાયકવાડી મારવાડી કે હાલારી,
સાચવી શિરસ્તો ને વીંટ્યું શીર પર રમણીય વસ્ત્ર,
શ્યામ પાઘ પ્રતિકાર તો કહીં ધરવા હાથમાં શસ્ત્ર.