નવલી કરામત નિરાકાર તારી
નવલી કરામત નિરાકાર તારી
સૃષ્ટિ સર્જક તવ લીલાને મારું મસ્તક નમે છે,
નવગ્રહ ફેરવી, ફેરવે વસુધા વૃક્ષ ઉન્નત કરે છે.
સુંદર રંગબેરંગી ફૂલો ખીલાવી સુગંધને પ્રસરાવે,
કણના મણ કરતો નાથ! સૌને પોષણ મળે છે.
ફૂલ, છોડ ,ક્ષુપ, વૃક્ષ; કોઈ નાના તો કોઈ મોટા,
વેલો લટકે થડે દીવાલે, વહાલથી આડશ ઘરે છે.
પર્ણ જુદા, જમીન જુદી; ક્યાંક પથ્થર તો પાણી,
સરિતાના તો જળ મીઠાં ને દરિયો લવણ દળે છે.
રવિ તપતો ને બાષ્પ બનતી, વાદળ ચડતાં નભે,
તવ કૃપાએ મેઘ મંડાઈ, સ્નેહના અમરત ઝરે છે.
ગગન સંગાથે ગોઠડી માંડતાં નાળિયેરીના વૃક્ષો!
ત્રણેય પડને દઈ ભેદી ને જળમાં મીઠાશ ભરે છે.
માના ગર્ભમાં બેસી તું તો ઘાટ અનોખા ધડતો!
તવ કરામતે દૂધની ધારા માને આંચલ વહે છે.
જગમંદિરે લાખો માણસ, ક્યારેય ના બદલાતાં,
બીબાં બધાંય અલગ તોયે રક્તે રતાશ રહે છે.
નવ પલ્લવ સમું બાળપણ ને ખીલતું પુષ્પ યુવાની,
વાર્ધક્ય વેળા લઉં શરણું તો સઘળા વિષાદ હરે છે.
સ્મૃતિ, શક્તિ ને શાંતિ દઈ ને કરતો તું ઉપકાર!
કૃતઘ્ની થઈને ફરે માનવ તોયે શ્વાસમાં સરે છે.
નવલી કરામત નિરાકાર તારી, મન કરતું મંથન,
ભાવ ભક્તિ ઉરે ભરું તો આવી ઉરમાં ઉગે છે.
