નવા યુગની નારી
નવા યુગની નારી
જોબનવંતી, જાજરમાની, પ્રચંડ છે ખુમારી,
કદમ ભરંતી દુનિયા સાથે, ઝઝૂમતી ખુદ્દારી,
તું નવા યુગની નારી….
આંખોમાં શમણાઓ આંજે,
જિદે ચડી કોઈને ન ગાંજે,
સંકલ્પોની વેણી નાંખી,
તિલક કરે સંધ્યાનું સાંજે,
સાહસ ખેડે, પહોંચે છેડે, ઝઝૂમતી પરભારી,
તું નવા યુગની નારી….
હિંમત સાથે કદમ ભરતી,
સંકટ દેખી સામે પડતી,
વાવાઝોડાં લાખ ચડે પણ,
સામા વહેણે જઈ એ તરતી,
ગૌરવનો અંબોડો બાંધે, અત્તર તો વહેવારી,
તું નવા યુગની નારી….
મક્કમતાનાં ઝાંઝર પહેરી,
આશાની લીલીછમ લહેરી,
હોંશે હોંશે, તાલે તાલે,
આકાશે આંબે ગુલમહેરી,
આવેલા પડકારોની તો કરતી ખાતિરદારી,
તું નવા યુગની નારી.
