નથી મળતો
નથી મળતો
અહિંથી જવાનો એકપણ રસ્તો નથી મળતો,
માણસ મને કોઈ હવે હસતો નથી મળતો,
બાગમાં ફૂલો ઘણાં ઉગ્યા બધે દેખાય છે,
ફૂલોનો છતાં એક ગુલદસ્તો નથી મળતો,
તારા જગતની મોંઘવારી આવીને તું જો,
કે શ્વાસ પણ હવે અહિં સસ્તો નથી મળતો,
શું છે દયા, કરુણા છે શું, ભૂલી ગયા બધા,
કોઈના હૃદયે રામ પણ વસતો નથી મળતો,
ખાંડવા છે ધર્મ બધા ખાંડણીમાં નાંખીને,
પણ મને મજબૂત એ દસ્તો નથી મળતો,
સાચો ધરમ માનવધરમ એવું જ મને લાગતું,
અહિંયા કશેય એવો શિરસ્તો નથી મળતો,
વ્યસ્તતાની વાતમાં તો 'સ્તબ્ધ' પણ ઓછો નથી,
એ પણ મને ક્યારેય અમસ્તો નથી મળતો.
