નફો ખોટ શીખીએ
નફો ખોટ શીખીએ
નફો થશે કે ખોટ જશે,
એની સમજણ છેલ્લે પડશે,
પહેલાં સમજી લેને તું કિંમતની એ વાત.
મૂળ કિંમત ને પડતર કિંમત,
ત્રીજી છે ભાઈ વેચાણ કિંમત.
કિંમતને તું સમજી લેને આવશે ભારે હિંમત.
ખરીદતાં જે આપીએ કિંમત, તે છે મૂળ કિંમત.
ખરીદ્યા પછી ધરે લાવવા, આપીએ ખર્ચની જે કિંમત,
મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરીએ આવશે પડતર કિંમત.
વેચ્યા પછી મળે જે કિંમત, એ છે વેચાણ કિંમત.
નફો થશે કે ખોટ જશે,
એની સમજણ હવે પડશે.
સહેલી છે આ ગણતરી ભાઇ,
ગમ્મત ભારે પડશે.
મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં,
વધારે હોય જો વેચાણ કિંમત,
તો નફો જ થાય, સરળ છે,
આ ગણતરીની રીત,
જો વેચાણ કિંમતમાંથી બાદ કરીએ,
મૂળકિંમત કે પડતરકિંમત,
આવશે નફાની કિંમત ને આવશે ભારે હિંમત.
મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં,
ઓછી હોય જો વેચાણ કિંમત,
તો ખોટ જ જાય, સમજાય એવી છે આ વાત,
જો મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી,
બાદ કરીએ વેચાણ કિંમત,
આવશે ખોટની કિંમતને રાખવી પડશે હિંમત.
નફા ખોટનું ગણિત સરળ છે આવું,
'સહજ' કહે છે દાખલા ગણવામાં શીદને મૂંઝાવું ?
