નહિ આવશે
નહિ આવશે
ફૂલડાં સૌ, હારમાં નહિ આવશે,
જો...સુગંધો પ્યારમાં નહિ આવશે.
પક્ષીઓ લોભાવતા નહિ આવડે,
કાલ એ સરકારમાં નહિ આવશે.
નાટકો પડદાની પાછળ થાય છે,
એ ખબર અખબારમાં નહિ આવશે.
આઈના તૂટી જશે પણ, દોસ્તો-
પ્રશ્ન કો' તકરારમાં નહિ આવશે.
પ્યારની ભાષા તો બાકી નહિ રહે,
સત્ય પણ વ્યવહારમાં નહિ આવશે.
લાગણી ઝરણા સમી વ્હેતી મળે,
કોઈ પણ આકારમાં નહિ આવશે.
ઈશ્ક, શ્રદ્ધા, માણસાઈ, દોસ્તી,
સજ્જનો તહેવારમાં નહિ આવશે.
કોણ કહે છે, મચ્છરોના લશ્કરો,
આપણા વિસ્તારમાં નહિ આવશે!!