મોતી બોલે
મોતી બોલે
પાંપણેથી ખર્યું મોતી બોલે,
સંબંધોની કોરી કડવાશ તોલે,
ફફડી ઉઠ્યું હવે પાછું મન,
શું ભેંકાર જીવન ફરી બનશે.
એ જ તોલાયા એ જ ધોળાયા,
વળી, ઘેરી યાદોના પડછાયા,
ભૂતાવળ બની પાછા ફરે,
ભૂતકાળ ફરી હૃદયે ખળભળે.
ઘૂઘવાય ને ઉભરાય છે ફરી,
વિકલ્પો ને વ્યથાના ટોળા,
એક ભૂલ જિંદગીની વળી,
ફરી મઝધારે પ્રશ્નો પૂછે.
એ જ ઉદાસી એ જ વેદના,
તડપી ઊઠે ભીતર મનમાં,
એ જ સંબંધો વળી પજવે,
અંતરમન ફરી કંપી ઉઠે.
સમય ચૂપચાપ ફર્યા કરે,
પણ સવાલો તો માનવ કરે,
જવાબો શોધતાં શોધતાં એ,
જીવન તો ક્યાંક ખરી પડે.
ભૂતકાળનાં કાળા પાનાં જોતાં
નામો કેટલાય પોતીકાં જ મળ્યાં,
જે વાંચતા આજે ફરી એકાએક,
પાંપણેથી ટપ-ટપ મોતી ખરે.
"હું મને જ ન ગમીશ" જોજે
એવું કોઈક ધીરેથી મને કહે,
સાંભળી ખુદથી હેબતાઈ હું,
ફરી મારુ 'હું 'પણું ધાંધલ કરે.
