મમ્મી બની રે
મમ્મી બની રે
મમ્મી બની, મમ્મી બની, હું તો મમ્મી બની રે,
લાલ પીળી ઓઢણી ઓઢી, હું તો મમ્મી બની રે,
મમ્મીની ઝાંઝરીઓ ને મમ્મીની બંગડીઓ,
એ તો મારા નાનકડા હાથેથી સરી જતી રે,
હું તો આજે સુંદર ને સુશીલ મમ્મી બની રે,
ભાઈ મારો લાડકડો ને સાકરનો વાટકડો,
એની સથવારે બેસી, હું રમી લેતી રે,
હું તો મારા ભઈલાની બેની બની રે,
નિશાળમાં રજા ને રવિવારની મજા,
નાનકડાં પગલે હું રસોડે દોડી જતી રે,
હું તો આજે ઘરની ગૃહિણી બની રે,
બટાકાની ભાજી ને હું થાવ રાજી,
વહેલી વહેલી હું બધું જમી લેતી રે,
હું તો આજે બધાની લાડકી બની રે,
પપ્પાનું પાટલુન ને પપ્પાનો બુશકોટ,
ટાઈ બાંધી હું જુઓ, ઓફિસ જતી રે,
હું તો આજે રૂઆબદાર પપ્પા બની રે,
લોહીનો નાતો ને અલક મલકની વાતો,
દાદાના ખોળે લપાઈને, હું સૂઈ જતી રે,
હું તો આજે બધાથી ડાહી ડમરી બની રે,
