મિથ્યાભિમાન
મિથ્યાભિમાન
રાવણના મસ્તકમાં બેઠેલો ભાવ મિથ્યાભિમાન છે,
દુર્યોધનના અટ્ટહાસ્યનો ચાવ મિથ્યાભિમાન છે.
બે હાથને લાંબા કરી જયાં યાચના કરવી પડે,
યાચનાને ઠુકરાવનાર એ ભાવ મિથ્યાભિમાન છે.
તવંગરની મહેફિલમાં આવી ચડે જો ગરીબ કોઈ,
એને જોઈ વર્તાતો ધૃણાભાવ મિથ્યાભિમાન છે.
ભરસભામાં સોગઠા એ પાંડુ બંધુ ભલે હારતા,
દ્રૌપદીના નામે મુકાયેલ દાવ મિથ્યાભિમાન છે.
પહેરી મોંઘેરા વસ્ત્રો, ને અમીરીની હોય છાંટ તોય,
ચહેરા પર વર્તાતું કૃત્રિમ હાસ્ય મિથ્યાભિમાન છે.
સ્નેહનો કરી દેખાડો આડમ્બરી ભલે ફરતો રહે,
એ શુષ્ક ભાવોનો નિરંતર પ્રયાસ મિથ્યાભિમાન છે.
છો ભલે ચર્ચા હતી જે એક રાવણની ચોમેર, અહીં,
ઘેર ઘેરથી નીકળતો સ્વાર્થ મિથ્યાભિમાન છે.