મહેનતનું મૂલ્ય
મહેનતનું મૂલ્ય
મહેનત થકી આ જિંદગી જીવાય છે,
સાચી લગનથી જિંદગી મોલાય છે,
થાવું અગર આ જિંદગીમાં જો સફળ,
એકાગ્રતાથી જિંદગી ત્રોફાય છે,
બેધ્યાનથી ના જિંદગીને વેડફો,
અનમોલ એવી જિંદગી વેરાય છે,
વિકાસના પંથે ચલાવો જો ચરણ,
હીરા સમી થઈ જિંદગી પોંખાય છે,
સ્વીકાર કરવો હર અભિગમમાં હકાર,
અભ્યાસથી આ જિંદગી અંકાય છે,
કારણ વિનાનો છોડવો વિવાદ હર,
ઉત્સવ ગણો તો જિંદગી સિંચાય છે,
આંબો શિખર દિલના ઉમંગે આખરે,
મુશ્કેલ રાહે જિંદગી મહેંકાય છે,
પર્વત બને છે રાઈ સમ નાનો પછી,
તોફાન સામે જિંદગી લહેરાય છે,
કંટક સકલ અવગણી આગળ વધો,
સોરમ સમી આ જિંદગી પમરાય છે.
