પ્રદૂષણથી ત્રસ્ત વિશ્વ, અવનિની રચના, કુદરતી વૈભવ સાથે પ્રગતિના નામે છેડછાડ ને કોરોનાની ઘાતક અસરની, તથ્ય આધારિત, આજની વિષમ પ્રાસંગિક પરિસ્થિતિની છંદોબધ્ધ(ખંડકાવ્ય)ની આ કૃતિ છે.
નોંધ- કવિશ્રી કાન્તનું ખંડકાવ્ય- અતિજ્ઞાન - રચનાનું પથદર્શક, જે ઐતિહાસિક સંદર્ભે હતું, અમે આજની આ વૈશ્વિક મહામારીની ઘટનાને, ગુજરાતી ભાષામાં ખંડકાવ્ય તરીકે સજાવી છે.
મહામારી કોરોના – ખંડ કાવ્ય
છંદ- વસંતતિલકા
કષ્ટી વહે વલવલી, સરિતા મલિની
દૂષિત પાવન સુધા, નિજ માનવોથી
નિસ્તેજ છે રવિ નભે; નિત ધૂમ્ર ગોટે
કંગાલતા નિરખ ઓ, વદતી વસુધા
નિરભ્ર વ્યોમ રજની જ ,અલોપ તારા
ને વ્યોમ ઝાંખપ હણે, નભ નૃત્ય લીલા
આ શુક્ર તેજ ડરતું, વલખી ઝબૂકે
ને વાયુ દૂષિત વહી , અભડે જ અંગે
દીધું હતું અવરથી; રૂપ શ્રેષ્ઠ ભાગ્ય
ને અમૃતા જલભરી, સરિતા જ મૈયા
ઐશ્વર્ય ઝૂમતું વને, હરિતા રસીલું
ઊડી ભમે કલરવે, રૂપલા વિહંગો
છંદ-અનુષ્ટુપ
વિનવે વસુધા વંદી, વેદનાથી વિલાપતાં
ઐશ્વર્ય જાતું લૂંટાતું, રે પ્રદૂષણ ઘાતથી
ઉધ્ધત જંતું યુધ્ધે ખિન્ન, આત્મઘાતી કુઠાર ઘા
છે એક આશરો તારો, દંગલ છે વિનાશનું
…
દુઃખ અરજ સુણીને, થયો અંતર મુખી એ
નિરખે એકમાંથી રે , સંવરતી અનેકતા
છંદ- શાર્દૂલવિક્રીડિત
ગાજ્યા અંબર વાયુ મંડલ ધસે, ભંડાર અનલના
પૃથ્વી આ જલસાગરે રવ મહા, ને ઈંદુ શિત ધરે
ને તારા ગ્રહ તેજ સૌ ઝબકતા, મંદાકિની પટલે
પ્રકૃતિ પ્રસવી જ વ્યક્ત થઈ આ, ચૈતન્ય સગુણ રે
છંદ- વિશ્વદેવી
ઘૂમે બ્રહ્માંડે, ચક્ર આ કાળનું ને
સંયોજે તત્વો, પંચ રૂપાંતરેથી
ઐશ્વર્યા દીસે, ઝુંડમાં સૃષ્ટિ દૈવી
ભૂપેશી વ્હાલે, ભેટ દીધી જ બુધ્ધિ
છંદ- અનુષ્ટુપ
ચક્ર ઋતુ રમે ભોમે, નિર્વિકારી જ સંયમી
પૂરક વાહ કેવા રે, પ્રકૃત્તિ ને મનુજ આ
છંદ- સ્ત્રગ્ધરા
ખૂશ્બુ ભર્યા કટોરા, કુદરત મધુરી, વ્હાલ ઝૂલે ઝુલાવું
ઝૂમે વૃક્ષો લળીને, ઋતુ -ફળ ધરવા, સ્નેહથી ભીંજવે રે
ને વાસંતી જ હૈયાં, કલરવ લહરે, વાત માંડે ઉમંગે
ભાખે શ્રેષ્ઠા નિયંતા, અવનિ રૂપલ આ, ઝીલતાં દિવ્યભાવો
છંદ- મંજુભાષિણી
અનુશાસને જ સુખી સૌ પરસ્પરે
કરુણા હિણી ભરખશે જ શત્રુતા
બહુ ક્ષુબ્ધ આજ નિરખી જ વિકૃતિ
કહું ધીક! ખૂટલ વિનાશ પાત્રતા
છંદ-રોળા
કાર્બન વા વિષ વમન, હિમાળા ગળતા જ ધસી
શ્રાપી કતલ ઉદ્યોગ, હણે પ્રાણી નૃશંસે
દીઠા ખેચર દીન, વિષમતા ઋતુઓ ભાળે
પૂરક રક્ષક જ ભક્ષક, મલિનતા ખંજર પાળે
છંદ- અનુષ્ટુપ
લૂંટી પ્રકૃતિ સંપત્તિ, મદમાં ઘૂમતો ફરે
પાખંડે ધૃષ્ટતા પોષી, કુંડાળા ઝેરના ધરે
છંદ- કલહંસ-
યુગ દર્દ રોષ, વિપદા પડઘી ને
તકલીફ આ પરખતો જ નિયંતા
ધમરોળવા જગ; ધસે છળ રોષે
યમદૂત મલ્લસમ સૂક્ષ્મ વિષાણું
છંદ- રોળા
'વુહાને'થી વ્યાપ, બહું સંક્રમણે વાધે
છું રે દંડી કાળ, ધસી દોડે કોરોના
દીઠું વામણું જ્ઞાન, ધ્રુજાવે મૃત્યુ- લીલા
બંધક વિશ્વ જ ખંડ, વિખૂટું જ ઉલટા ચક્રે
છંદ- વિશ્વદેવી
ના ધૂમ્રી શેરો, ના જ ઘોંઘાટ સૂણો
ઝૂમે પ્રકૃતિ, વ્યોમ વિહંગ ગાણું
સૂના આ મેળા, ને સ્થળો મોહકંદી
શાળાએ છૂટ્ટી, વિશ્વ શીખે નમસ્તે
નિયંતા પૂરે, ખોટ સંતાન કાજે
છૂપા આશિષે , ગંગ શુધ્ધિ જ પામે
છંદ- વસંતતિલકા
છે જંગ દુષ્કર સજે, જગ સાવધાની
દૃશ્યો જ માસ્ક બુરખા, રત નિષ્ઠ યોધ્ધા
વિશ્વાસ જાય અવધે, તું વિપત્તિ ભારી
તૂટે કડીયું, સમયે સહયોગ સેવા
છંદ- મંદાક્રાંતા
રે ભારે આ વિકટપળ ને, ડૂબતાં અર્થતંત્રો
પ્રત્યાઘાતી કુદરત ભલી, શોધતી નિજ રૂપો
વિષાણુંની દમન જ કડી, તૂટશે અસ્પર્શેથી
જાગો જાણો નિયમન મહા, લાભવંતું વિવેકે
પ્રાથે પૃથ્વી સકળ શુભ હો, આત્મ વિશ્વાસ જીતે
શ્રેષ્ઠા શોભે, મઘમઘ પુનઃ, વિશ્વ આખું નવોઢા
છંદ- વસંતતિલકા
તોલે બધું વિધિ, બરોબર ત્રાજવેતો
આરોગ્ય સાચવવું, એ જ ઉપાય સાચો
ઉત્સાહથી પરહિતે, સજ જાત રાજા
છે સત્ય બે ગજ , જમીન જ અંતવેળા.
રમેશ પટેલ(આકાશદીપ)
……………
Note…
વુહાન- ચીન દેશનું શહેર જ્યાંથી કોરોનાની શરુઆત થઈ
મંદાકિની- આકાશગંગા જેમાં આપણા સૌર મંડળનું અસ્તિત્ત્વ રચાયું ને આપણી પૃથ્વી આ પટલે ઘૂમે છે.
ખંડકાવ્યમાં ,વસુધા ,વિધાતા, યુગ ચિત્કાર ને સાંપ્રત પરિસ્થિતિ અવલોકન કવિ માનસથી શબ્દ ચિત્ર દ્વારા પ્રગટ કરતાં પાત્રો છે..