માનવ બનવું અઘરું છે
માનવ બનવું અઘરું છે


ઝેર પી શંકરની જેમ,
નિલકંઠ બનવું સહેલું છે,
નિલકંઠ બન્યા પછી,
એ ઝેર પચાવવું અઘરું છે.
ગીતાજયંતીના નામે,
ઉત્સવો ઉજવવા સહેલા છે,
કર્મના સિદ્ધાંત પ્રમાણે,
જીવન જીવવું અઘરું છે.
મા-બાપ જ શ્રેષ્ઠ તીર્થ છે,
એવું બધા કહે છે,
શ્રવણ બની કાવડ લઈને,
ફરવાનું અઘરું છે.
વિરોધ કરનારના ટોળામાં,
જોડાનાર અનેક છે,
સામી છાતીએ સત્યનો,
સામનો કરવાનું અઘરું છે.
હનુમાન તો આજેય તૈયાર છે,
અસુરનો નાશ
કરવા,
એ શક્તિને પિછાણનાર,
જામુવન બનવું અઘરું છે.
કૃષ્ણ તો આજેય તૈયાર છે,
સારથિ બનવા,
અર્જુન બની ગીતાજ્ઞાન,
પચાવવાનું અઘરું છે.
શામળિયો તો રોજ,
આપણીયે હૂંડી સ્વીકારે,
ઈશમાં એક્ત્વ સાધનાર,
નરસિંહ બનવું અઘરું છે.
આપણી ઝૂંપડીએ આવવા,
રામ આજે તૈયાર છે,
શબરી બની નિત્ય,
પ્રતીક્ષા કરવાનું અઘરું છે.
'વર્ષા' આપણા આ જીવનનું,
એક કામ અઘરું છે,
મહાન તો બની શકાય,
માનવ બનવું અઘરું છે.