માણસ નામે પથ્થર
માણસ નામે પથ્થર
હાલક-ડોલક, તૂટક-ફૂટક, ક્યારેક ઊડે અધ્ધર,
આ માણસ નામે પથ્થર…
ખરબચડી આ રીત-રસમો અડખે-પડખે રાખે,
લીસી-લીસી સમજણ છાંડે, ગામ ઉઠાવે માથે,
આમ તો લાગે ગરીબડો, પણ ક્યારેક રહેતો સધ્ધર,
હાલક-ડોલક, તૂટક-ફૂટક, ક્યારેક ઊડે અધ્ધર,
આ માણસ નામે પથ્થર…
ભર વરસાદે છત્રી કાઢે, ભીંજાવાથી ડરતો,
ધોમ ધખતા તડકે બેસી વાદળને સંઘરતો,
ક્યારેક ભીનું સ્મિત ધરે ને ક્યારેક સૂકું થેથર,
હાલક-ડોલક, તૂટક-ફૂટક, ક્યારેક ઊડે અધ્ધર,
આ માણસ નામે પથ્થર…
દૂર-દૂરથી રૂડો લાગે, પાસે સાવ ભયંકર,
લાગણીઓની મહેફિલોમાં રોજ ઉડાડે કંકર,
લાગ જોઈને દોટ લગાવે, ક્યારેક ચાલે મંથર,
હાલક-ડોલક, તૂટક-ફૂટક, ક્યારેક ઊડે અધ્ધર,
આ માણસ નામે પથ્થર.