માલધારી
માલધારી


ઝળહળે નેસડે દીવા દૂરથી ટીંબે છે કાંટાળી વાડ
ભાગ્યો ડાલામથ્થો સાંભળીને માલધારીની ત્રાડ,
ઘેટાં બકરાં સલામી આપે માલધારી નામે નૃપ
રહ્યાં ભ્રમણશીલ ભલે પણ અલબેલું અમારું રૂપ,
મોટાં મહેલ મહીં સળગે ચૂલો રાંધે નમણી નાર
ડીલે કેડિયું માથે પાઘ કાને વાળિયું પેરે નરનાર,
ખભે ખેસ હાથમાં લાકડી ચારણ રબારી ભરવાડ
કાઠી કોળી મકરાણી મેઘવાળ જાણે માલની નાડ,
હાથીદાંતના ચુડા નીરખી નારી નાસે કેસરી સિંહ
બીડ ચરાણ લીલકાતાં સુંઘી માલધારી કેરી ભિંહ,
ભાદરવો ઉતર્યે ભાગવું મારે માલ ધરી બીજે દેશ
ગાય ભેંસ ઊંટડી પર બેસીને ફરવું ઉનાળે પરદેશ,
જોઈ વાદળ જેઠમાં ફરવું નેસડે લઈ લશ્કર લાવ
માલ મલીદો લઈ માલધારી ચલાવે રેતમાં નાવ,
ઝળહળે નેસડે દીવા દૂરથી ટીંબે છે કાંટાળી વાડ
આવ્યે અતિથિ માણે મનસૂબા ખુલા નેસ કમાડ.