માધવ મળી જાને હવે
માધવ મળી જાને હવે
મન ઝરૂખે ઝંખતી, માધવ મળી જાને હવે !
ઉર અગનને ઠારવા ટાઢક બની જાને હવે,
દ્વેષ ભર્યાં મુજ હૃદયનાં, ખાર સઘળા ખાળજે,
પ્રેમ પ્યાલો પૂર્ણ દઈ, ભીતર ભળી જાને હવે,
લઈ ફરું દિન રાત, હું નીચી નજરનું નાપણું,
દીર્ઘદ્રષ્ટી દાન દઈ, લઘુતા હરી જાને હવે,
જગ ઝરૂખો ઝળહળે, બે પાંચ કરતાં બાદ જો,
તારવા બે પાંચ ને તોરલ કરી જાને હવે,
છે ધખારો વિશ્વ કલ્યાણે, ખપે આ જિંદગી,
સાંભળી તું બંદગી, નડતર દળી જાને હવે.

