લટાર
લટાર


થયા દેવદર્શન બંધ ને ઉઘડ્યા મનના દ્વાર,
એવા મુંબઈમાં ચાલ મારીએ એક લટાર ..................
સુમસામ રસ્તા, સૂની ગલીઓ ને ફેરિયાઓ પણ બંધ, બિનજરૂરી, બેફામ ખરીદીઓએ થઈ ગઈ છે બંધ.
હમણાં મારે જરૂર નથી એવું ઉપજ્યું કેવળ જ્ઞાન, એવા મુંબઈમાં ચાલ મારીએ એક લટાર...................
મોટા મોટા મૉલ અને આલીશાન દુકાન, કૃત્રિમ હાસ્ય ને મજબૂરીની મૅનર્સથી આવકાર.
ગમતી વસ્તુ કદીએ ના મળે, છો હોય માલ ભારોભાર, એવા મુંબઈમાં ચાલ મારીએ એક લટાર.................
લોકડાઉનમાં થયું બધું બંધ, સજ્જડ બંધ, બંધ બારીએ અંદરથી જોતા સૌ, જો દેખાય કોઈ બહાર.
થયું અનલોક ચાલુ ને ચાલુ થયો વહેવાર,એવા શાંત મુંબઈમાં ચાલ મારીએ એક લટાર..............
દૂરથી આજે એક અલપઝલપ નજારો જોયો, હા, કેટલા દિવસે મેં દરિયાનો કિનારો જોયો.
ધીમે ઘૂઘવતા મોજા ને દુધાળા ફીણ, સોનેરી રેતીમાં સમાઈને કરતા એને વહાલ.
એવા મુંબઈમાં ચાલ મારીએ એક લટાર.....................
શીખ્યા ઘણા ધડા પ્રભુ, ભણ્યા ઘણા પાઠ, તેં એક લાકડી શું ઉગામી ને થયા સૌ બેહાલ.
ફેરવ જાદુઈ છડી ને કર બધું ધમધમતું, એવી કરીએ અરજ ને સો સો ગુહાર.
કે એવા મુંબઈમાં, અમારા મુંબઈમાં
અમારે વટબંધ મારવી છે એક લટાર.........................