એટલે મિત્ર
એટલે મિત્ર
પહેલા વરસાદ સંગ ઝાડ ફરતે વણકહ્યું ઊગી નીકળતું ઘાસ એટલે મિત્ર,
તકલીફ હોય અપાર ના હો અન્ય કોઈ આશ ત્યારે દ્રઢ વિશ્વાસ એટલે મિત્ર,
કાયમ ના હોય સાથ ભલેને મુલાકાત થાય દિવસોને કંઈક અંતરાલ પણ,
ના ઘરે કહેવાય ના અંતરે સહેવાય એવા ખાનગીકરણનો સુવાસ એટલે મિત્ર,
લોહીના સંબંધ નહીં લાગણીના તારથી જોડાયો સુખ દુઃખનો એ સરવાળો,
અંધકારમય રાતનો આગિયા સમો એ પાથરતો ઊજળો પ્રકાશ એટલે મિત્ર,
લોભ લાલસાથી પરે નિ:સ્વાર્થ અલગારી મોજની થાય જેનામાં ખોજ,
એવા અનેક નાતાનો હકદાર જીવતરના સૌ રંગોનો અદકેરો લિબાસ એટલે મિત્ર,
એ ના હોય તો લાગે કંઈ ખૂટતું સઘળું હોય છલોછલ છતાં વર્તાય અધૂરપ,
સાંજ જિંદગી ઈમારતનો એક અમૂલ્ય અતૂટ પાયાનો એ ખાસ એટલે મિત્ર.
