રંગોનો પર્વ
રંગોનો પર્વ


હોળીની સાથે ધૂળેટી જાણે, આગ પછી આવતી શાતા.
ધૂળેટીના રંગોમાં જાણે મેં મેઘધનુના રંગ દીઠા.
અને આવ્યું યાદ ખીલતું યૌવન, જાણે ખીલતી કળી,
કે પછી રંગબેરંગી ફૂલો પર ઊડતી રંગીન તિતલી.
ચાલો માણીએ, મેઘધનુષના રંગોની છટા.............
ને સાથે જોડાયેલી આપણી પ્રેમ કથા ...........
જા ની વા લી પી ના લા .. જોને મેઘધનુના કેવા રંગ વરસે,
જાંબુડિયો રંગ મારા મનને ખુબ ભાવતો,
સદાયે, તારી સાથે એક મુલાકાત લાવતો.
નીલો રંગ, તારી આંખો ને સામે સમુદ્રના નીર સમ,
નીલાંબર હેઠે, હાથમાં પરોવી હાથ ચાલીએ આપણે જેમ.
વાદળીઓ રંગ, ભરી ભરી વાદળાં આવતો,
તું આવે ત્યારે વરસે, તું ન આવે તો હાથતાળી દઈ જાતો.
લીલો રંગ હરિયાળીનો, લીલીછમ ચાદર ઓઢી ધરતી,
તારી યાદમાં ભાન ભૂલી ને ફૂલો ભરી લીલી ઓઢણી હું ઓઢતી.
પીળો રંગ, હોળીની ઝાળનો, પિયુને મળવાની અધીરી આશ,
હું ના સમજી કાં એ કરતો મને, કદીક કદીક નિરાશ.
નારંગી રંગનું ઓઢણું મેં ઓઢ્યું મારા પરણેતરનું, ને ધૂંધળી થઈ તારી યાદ,
સમાજના બંધનોમાં જકડાઈ હું, નથી મને કોઈ ફરિયાદ.
લાલ રંગ, પવિત્ર એવા કંકુનો, સિંદુરનો, કે રાખવી પડશે એની લાજ,
સજી છે આજ મારે માટે, એક નવજીવનની સાજ.
આવશે હોળી -- ધૂળેટી, વાલમ, આવશે યાદ બધુ,
ક્ષણ એકમાં વિખરાઈ જશે આપણા પ્રેમનું મેઘધનુ.
થયો મેઘધનુષી રંગ રાખોડી, જ્યાં ભળી હોળીની રાખ,
ના કરીશ તું મુજને સાદ, કે હવે ના મુજને આવશે તારી યાદ.
રંગ, પર્વ, તહેવાર તો રહેશે આવતા જતા,
ચાલશે જીવન નૈયા, આમ જ ચાલતાં ચાલતાં.