કવિ
કવિ
તું જીવન ઉલ્લાસનાં ગીતો ભલે ગાજે કવિ,
ક્યાંક જો સમજાય તો લખજે રુદન કાજે કવિ.
વૈખરી વાણી વહાવ્યે વાહવાહી ઝટ વરે,
સસ્તી ખ્યાતિ પામવા એ રાહ ના જાજે કવિ.
શારદાનો પુત્ર તું કહેવાય સારસ્વત ખરો,
માતને વેચીને લક્ષ્મીદાસ ના થાજે કવિ.
હો કવનમાં સત્વ તો આખું જગત બોલાવશે,
મંચ માટે ચાપલૂસી ના તને છાજે કવિ.