જિંદગી
જિંદગી


માની લીધી છે મેં 'સુપરમેન' જેવી જિંદગી,
છે ભલે 'મુંબઈની લોકલ ટ્રેન' જેવી જિંદગી.
ભાર આખા ઘરનો એ તો ઊંચકી લે છે સહજ,
મોભ જીવે છે સતત કોઈ 'ક્રેન' જેવી જિંદગી.
નીતનવા રસ જે સતત સમભાવથી લખતી રહે,
દે મને ઈશ્વર ! 'કવિની પેન' જેવી જિંદગી.
સ્પર્શ હું તારો સતત પામી શકું છું એટલે,
ફાવી ગઈ 'તારાં ગળાનાં ચેન' જેવી જિંદગી.
મોહ મોહનને થયો, એવી તો બસ મીરાં જીવી
ક્યાં બધાં પામે એ 'માધવ-ફૅન' જેવી જિંદગી !