કૃષ્ણ ગીત
કૃષ્ણ ગીત
કાન્હા તારી કઈ લીલાને હું વખાણું ?
બની ગયું છે એ એક જાણે ઉખાણું !
અંગૂઠો જરી અડાડે ત્યાં યમુનાનાં ધસમસતા નીર થાય શાંત,
માટીવાળું મુખ તારું નીરખતી માને દેખાડે આખુંયે બ્રહ્માંડ,
નાગદમનની વાતને કવિતામાં માણું !
કાન્હા તારી કઈ લીલાને હું વખાણું ?
ટચલી આંગળીયે ગોવર્ધન ઊંચકીને ઉતાર્યું ઈંદ્રનું અભિમાન,
બંસરીની ધૂને આખા ગોકુળને ભુલાવી દે તું જાણે સાન ભાન,
તારી મંદ મુસ્કાનનો ભેદ હું ના જાણું !
કાન્હા તારી કઈ લીલાને હું વખાણું ?
પળવારમાં કુબ્જાને કરી દે તું જાણે સોળ વરસની સુંદરી,
દ્રોપદીના ઐક બોલે પૂરે ચીર, પ્રેમથી પુકારે એના દુ:ખ લે હરી,
ક્યારેક ફૂંકે શંખને ક્યારેક બંસીમાં ગાણુંં !
કાન્હા તારી કઈ લીલાને હું વખાણું ?
ગોકુળમાં માખણ ચોરી ચોરીને રોજ તું ખાતોને ખવરાવતો,
ગોપીઓની મટકી ફોડી, દાણ માગીને રોજ-રોજ કવરાવતો,
માખણ ચોર કહું કે ઈશમાં પ્રમાણું !
કાન્હા તારી કઈ લીલાને હું વખાણું ?
