કોડિયું
કોડિયું
કોડીયું છે એક -
પણ નથી જડતું રૂનું પૂમડું
કે નથી મળતું તેલ કે ઘી...
બંધ આંખ શોધે દિવાસળી
ને ફાંફાં મારે અંતરમન :
ફેલાવું ઉજાસ કેમ હું જો
ના કરી શકું પ્રજ્વલિત કશું-
સહજ સરળ નથી પ્રગટાવવો
દીપ એક અંધકારમાં આ !
શોધ છે અનંત એક અહીં
તમસ દૂર કરવા જડે કશું...
સંવેદનાઓ આમ તો સરકે
અણુ અણુમાં પળ પળ મહીં
અજવાળા અંધારાની એ
સૃષ્ટિ કરતી ઉજાગર તહીં !
સાંજ સવારો ખીલતી હો
પણ ક્ષિતિજે કોડીયું રહેતું
તરસતું ત્યાં..
આવો ભરી લઈએ ભીતર
નિખીલના તરંગ સહુ જે
વિલસે સફરમાં આ ..કરીએ
એક મંગલપથ પ્રકાશિત હૈયું
લઈ રૂના પૂમડાં જેવું ને
પાથરીયે જીવનમાં સ્થિર
શગે આતમદીપના અહીં
અજવાળાં ! પ્રગટાવીએ
હજારો દીપ પછી એની
પરમ પ્રજ્વલિત જ્યોતથી તહીં !
