ખ્યાલ
ખ્યાલ
આટલો જ ખ્યાલ રાખ્યો છે તો થોડો વધારે રાખી લે ને !
અમથું અમથુંય આ તારા ખ્યાલ નું માન રાખી લે ને !
એ સાચું છે કે મારી દુનિયા તો છોડીને નહિ આવીશ હું,
તારી એ દુનિયામાં કોઈકવાર મારોય મુકામ રાખી લે ને !
સોગઠાં તો ગોઠવી જ દીધા છે નિયતિએ જુદાં તારાં મારાં,
ક્યાંક, કદી એનાય છેડા અડી જાય એવી વાત રાખી લે ને !
હા, ખરું છે કે જાળવવી જ રહી સરહદો દુનિયા કેરી હવે,
પણ, હદોનીય પેલે પાર કોઈ એક મુલાકાત રાખી લે ને !
અજબ છે આ લાગણી ને વિવશતા હ્રદયની અટારીએ,
તારી સુગંધને માણવા જ ખુલ્લી એક બારીય રાખી લે ને !
વાતો કરીને શું કરીશું ખાલી કે એ વાતોની વાત રહી લાંબી,
આપીને વિરામ એ અધરને, જરા મારી સમીપ રાખી લે ને !
મટકું ય નથી માર્યું તને નીરખતા રહ્યામાં અમે હમણાંથી,
ન આપ આવી વ્યથા, મને તુજ આંખોમાં જ રાખી લે ને !
કાયમ છે આ કહાણી ને હજુ દિસતો નથી અંત એનોય,
તો નાયિકા બની મજાની મને પણ નાયક તું રાખી લે ને !