કેફી કવન
કેફી કવન
આજે તારી વાતોમાં મૌનનું મેળવણ કેમ નાંખ્યું છે ?
કંઈક તો બોલકી આ તારી આંખોએ'ય મોં એ તાળું મારી રાખ્યું છે,
જો ને આજે તો આ આખું જગ જુએ છે આપણી જ સામું,
ને આપણે આપણા ઝરૂખેથી જ જગત જોયે રાખ્યું છે,
મારા હૃદયનો વેરાન ઝરૂખો ને, તું ને તારી સ્વપ્ન વિહોણી રાતની અટારી,
હતા બેઉ સામસામે, તોય પરસ્પર આંખ આડા કાન કર્યે રાખ્યું છે,
ગયા ત્યારે કહેલું ભૂલી જઉં એમને, પણ ભૂલાયું ભૂલી જવાનું,
યાદોના સોળ પડ્યાં છે ભીતર, ને મહોરું સ્મિતનું ચડાવી રાખ્યું છે,
ઠીક છે જવું જ હોય એમને, તો કહો આ જિંદગી લઈ જાય મારી,
બસ હવે તો આંખો મીંચુ રાતને કેફી કવનનું બંધાણ કરાવી રાખ્યું છે.

