કાંઈ કે'તી કાં નથી ?
કાંઈ કે'તી કાં નથી ?
છોડીને ઘર મમ્મી પપ્પાનું, તું અહીંયા આવી,
પારકાંને પોતીકાંં બના'વાની ચાવી લઇ આવી,
છોડીને આવી છો સૌને, યાદ કરી,
રડવાનું થા'તું હશે ને તને મન,
તો પછી કાંઈ કે'તી કાં નથી ?
પેલો ને પેલી, કેવા જલસા કરે છે,
મુવી જોવે છે, ને હોટલનું ખાય છે,
તારું ય થા'તું હશેને કો'ક દિ' તો મન,
તો પછી કાંઈ કે'તી કાં નથી ?
શાકમાં હોય જો થોડું મીઠું ઓછું,
હું તો કહી દઉં છું ને આપું છું પાછું,
પ્રેમ ક્યારેક લાગ્યો હશેને મારો ઓછો,
તો પછી કાંઈ કે'તી કાં નથી ?
p>રાત પડે સોફા પર બેસીને ટીવી જોઈએ,
મારું મનગમતું, કાંઈક સાથે જોઈએ,
રીમોટ હાથમાં લેવાનું, તારું ય કરતું હશેને મન,
તો પછી કાંઈ કે'તી કાં નથી ?
વાત વાતમાં રોજ હું ગુસ્સો કરું,
કહી દઉં ન કહેવા ના વેણ,
વેદના ને કારણે, ભીંજાય તારા નેણ,
સંભળાવી દેવાનું થા'તું હશેને તને મન,
તો પછી કાંઈ કે'તી કાં નથી ?
દરિયામાં પણ હોય છે, ભરતી ને ઓટ,
દાંપત્ય જીવનમાં લાગતી હશેને, ક્યારેક તો ખોટ,
બીજું તો શું કહું, બસ તને થેન્ક્સ અ લોટ,
કારણ, એ જ, કે, તું કાંઈ કે'તી નથી.