હોવું જોઈએ...
હોવું જોઈએ...


આપણું પોતાનું એક, વર્તુળ હોવું જોઈએ,
પરિઘની બહાર હોય તોય, બિંદુ જેવું,હોવું જોઈએ !
આમ તો મળે છે એકલતા, ખુશનસીબને,
એકાંત મળે તોય, આપણી પસંદગીનું, હોવું જોઈએ !
તરસે મરે છે કોઈ, એમ કિનારે રહીને,
તરસ જો છીપાય તોય, મૃગજળ પાસે, હોવું જોઈએ !
જીવીએ છે આપણે રોજ, એમ મરી મરીને,
મૃત્યુ જો મળે તોય, જીવન સલામી દેતું, હોવું જોઈએ !
દિલને મળે છે, કોઈ ઠેકાણું નસીબથી,
પારકું જો મળે તોય, ઋણાનુબંધ, કિસ્મતમાં, હોવું જોઈએ !
કૃતિઓ રચાય છે, લાગણીઓનાં કાગળ પર,
રચના કોઈ સરજાય તોય, દિલ ઘાયલ થતું, હોવું જોઈએ !
કલશોર મચાવે છે, મનનો અંતરનાદ,
મૌન બોલાય તોય, શબ્દ સાંભળે એવું, હોવું જોઈએ !
અધુરાં સપનાં, થકવી નાંખે છે જિંદગીથી,
“ચાહત” પુરી થાય તોય, સપનું એકાદ, બાકી રહેતું,હોવું જોઈએ !