હેલ્લારો
હેલ્લારો
કાળના વહેણે પડઘા જેવો સાદ બન્યો છે હેલ્લારો,
સૌના આંસુ પીને ખારોપાટ બન્યો છે હેલ્લારો.
જિંદગી થઈ છે અંતરિયાળા ગામડાં જેવી,
સુખની લીટી શોધું દુકાળમાં પાણી જેવી,
ચાતક જીવડો ઝંખે તે જીવન આપે છે હેલ્લારો,
સૌના આંસુ પીને ખારોપાટ બન્યો છે હેલ્લારો.
કુરિવાજની તલવારો છે સાવ જ બુઠ્ઠી,
હું મર્યાદાના નામે રાખું બાંધી મુઠ્ઠી,
નવવિચાર આચરવા કો'નો ભોગ લે છે હેલ્લારો,
સૌના આંસુ પીને ખારોપાટ બન્યો છે હેલ્લારો.
મૌન સળગતા પ્રશ્નોનું હો તારણ જાણે,
મૂંગી મંતર ઈચ્છાઓનું મારણ જાણે,
ભીતરના આ ઘૂઘવાટાનો રાગ બન્યો છે હેલ્લારો,
સૌના આંસુ પીને ખારોપાટ બન્યો છે હેલ્લારો.