હે માનવ તારા વળતા પાણી
હે માનવ તારા વળતા પાણી
આજ ઠેર-ઠેર ભગાડી રહ્યો,
માનવ માનવને હાંકી હાંકી
મળી રહી છે હવા શુદ્ધ ત્યારે,
કેવો ઘૂમી રહ્યો મોં ઢાંકી ઢાંકી
કુદરત એવી જોર ખિજાણી
હે માનવ તારા વળતા પાણી...
એક હાકારો દ્યો ત્યાં તો,
પશુ પણ જાય માની માની
પોતાની જાત સુદ્ધાને છેતરી,
નીકળી રહી માનવજાત છાની માની
યમરાજ કરી રહ્યા છે જોર ઉજાણી
હે માનવ તારા વળતા પાણી...
એ ઉભી બજારના હવાતિયાંમાં,
ડાફોળીયા મારી રહ્યો છે તાકી તાકી
મેળવવા ફૂટી કોળી હવે તો,
ઢસડાઈ ગયો છે થાકી થાકી
ખાલી રસ્તા તોયે આંખો જોર મુંજાણી
હે માનવ તારા વળતા પાણી...
અરથ વગરનું દોડી-દોડી,
લોભ ખેંચી રહ્યો જિંદગીને તાણી તાણી
પૂછી લેજે ખુદને,જો ઘડીક મળું તો
જાત સાથે ક્યારેક ફુરસદ માણી માણી?
વગર આંસુએ સૃષ્ટિ જોર ભીંજાણી
હે માનવ તારા વળતા પાણી.