એક શ્રમિકની મનોવ્યથા
એક શ્રમિકની મનોવ્યથા




જે ભૂમિમાં લોહી વહાવ્યું મેં શ્રમનું,
અકાળે તેણે જ દીધી માઠી ઠેસ,
અહીં તો ભરખી રહ્યો અધમૂઓ કાળ,
નથી રહેવું તારે લેશ,
બસ, મારે તો હવે જાવું મારે દેશ.
દીધાં રહેવા ખાબોચિયાં ને ગંદકીનાં અખાડા,
દેખાડા પૂરતું અન્ન ને અહીં જીવવાનાં ધમપછાડા,
જ્યાં બાંધ્યા મહેલો ને મોલ ત્યાંજ થયા ભૂંડા મારા વેશ
નથી રહેવું તારે લેશ,
બસ, મારે તો હવે જાવું મારે દેશ.
માણસ ના ચીંધે આંગળી ત્યાં પાટા બતાવે રાહ,
ખોખરું, બોદુ તંત્ર ને અહીં ઉપરછલ્લી વાહ,
કાળઝાળ ગરમીમાં ઓઢીને ચાલ્યા તડકા કેરો ખેશ,
નથી રહેવું તારે લેશ,
બસ, મારે તો હવે જાવું મારે દેશ.
પેટ તણી મજબૂરી છતાંયે મન કહે કદીયે પાછો ન વળતો,
ગરજ પડે હકારો કરે તોયે તન કહે કદીયે પાછો ન ફરકતો,
રજડતાં રહ્યા છતાંયે મદદે કોઈ ન આવ્યું પેશ,
નથી રહેવું તારે લેશ,
બસ, મારે તો હવે જાવું મારે દેશ.