ગુંજતા રે બોલ વાલમના
ગુંજતા રે બોલ વાલમના
પિયુ પમરાટે ઝુલતું જોબન
ફાગ ફાગણિયો રંગતો રાજન
ગમતાં રે ગીત વાલમનાં
જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.
આવશે મારો લાવશે મારો ટહુકો પ્યારો
રંગશે ભાતું ઝીલશે વાતું લાખણહારો
યાદ તારી ઓવારણાં વાલમ
સ્નેહ તારી સોગાદ રે જાજમ
શમણાં રે નિત વાલમનાં
જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.
મંજરી મ્હેંકે ચહકે અંગુ
ખંજરી રણકે સરકે પલ્લું
નેણલાં મારાં વાત ગૂંથાવે
નવ પલ્લવી જાત ઝુલાવે
ઝરણાં રે મીત વાલમનાં
જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.
વાલમિયો મારો વાસંતી મૌસમ
જૂઈ મોગરો ગુલાબની સોઢમ
પવન પારણે ઝુલશું અમે
જીવન ઝીલણે ખીલશું અમે
કામણાં રે તીર વાલમનાં
જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.
ખીજવે શ્રાવણ મસ્ત છે મૌસમ
ભીંજવે મારાં ઓરતાં બાલમ
છૂંદણાં રે ગીત વાલમનાં
જાગતાં સૂતાં ગુંજતા રે બોલ વાલમના.

