ઘર
ઘર


ચાર નિર્જીવ ભીંતો પણ બની જાય ઘર, જ્યાં પ્યાર છે,
એ મકાન બની રહે છે ઘર, જ્યાં રહે સુખી પરિવાર છે,
સાંજ પડતા તો, પક્ષીઓ પણ આવી જાય છે, પોતાના માળામાં
પૂરી દુનિયામાં, જીવ માત્ર, ઘર વગર કેટલો લાચાર છે,
પારકા શહેરમાં પણ જો, આપણે બનાવી શકીએ પોતાનું ઘર
પુરૂં શહેર લાગે છે, પોતીકું, એ ઘરનો જ ચમત્કાર છે,
ગમે તેટલું ભટકી લ્યો, આખરે તો ઘર જ આવશે યાદ
દુનિયાનો છેડો છે ઘર, ઘર આપણા હાશકારાનો સૂત્રધાર છે,
એમાં શું ? વાસણ હોય તો ક્યારેક ખખડે પણ ખરા
આખરે તો આપણે છીએ એક જ, એવું ઘર કરે પુરવાર છે,
ઘર હોવું જોઈએ હંમેશ મહેમાનોથી ભર્યુંભાદર્યું
મહેમાનોની આવન જાવન થકી ઘર સદાબહાર છે,
ઘર જેવી હૂંફ, સુખ, સગવડ, વ્યવસ્થા અને શાંતિ નથી હોતી ક્યાંય
સમગ્ર સૃષ્ટિને આપણે સમજીએ ઘર, તો બધાનો બેડો પાર છે,
ગર્ભસંસ્કારથી અંતિમસંસ્કાર સુધીનો એનો છે, વિસ્તાર ‘સૌરભ’
ઘર તો આપણા સહુની જિંદગીનો જીવતો જાગતો ચિતાર છે.